મુલાકાત


                    કોઈકે સાચું જ કહ્યું છે, એક પશુને તમે જેટલો પ્રેમ આપશોને તેનાથી બે ગણો પ્રેમ તેઓ બદલામાં તમને કરશે, તમારા પ્રત્યે વફાદાર રહેંશે. તેમનું  આ માણસો જેવું થોડું છે સાલું કામ પતી ગયા પછી તું કોણ ને હું કોણ ? તેમને માત્ર જરૂર છે આપણા પ્રેમની આપણી હૂંફની. અને વધારેમાં તેઓ આપણી પાસેથી બીજું કઇક મેળવવાની આશા પણ રાખતા નથી. તેઓ તરફ દર્શાવવામાં આવેલો આપણો 'પ્રેમ' તેઓ એ થોડા ઘણા પ્રેમના બદલામાં પોતાની આખીયે જીંદગી આપણા પ્રત્યે વફાદાર રહે છે. ઘણી વાર આપણે જ તેમની લાગણીઓને અથવા તો તેઓ શું કહેવા માંગે છે તેને સમજી શકતા નથી, અને તેમના શબ્દો સમજવા માટે પણ તેમની સાથે થોડો સમય ગાળવો પડે તેમને સમજવા પડે અને તે શક્ય ક્યારે બને જયારે તેઓ આપણી પાસે, આપણી સાથે સુરક્ષીત મહેસુસ કરવા લાગે ને ત્યારે, જયારે તેમને સમજાઈ સમજાઈ જાય ને કે હવે મને આ વ્યક્તિથી કોઈ જ ખતરો નથી, બસ ત્યારથી જ તેઓ તમારી સાથે દિલ ખોલીને વાતો કરશે. કદાચ માણસ તમારો ભરોસો તોડી શકે પણ આ મૂંગા પશુઓ  ક્યારેય તમારી સાથે સ્વાર્થી નહીં બને. ઘણી વાર આપણા જીવનમાં પણ એવી ઘટનાઓ કે કોઈક એવા કિસ્સાઓ બનતા હોય છે જે ઘણું બધું કહી જતા હોય છે, તો આજે આવું જ કઇંક મારી સાથે પણ બન્યું, એવા બે દ્રશ્યોની હારમાળાઓ બની જે મને ઘણું બધું કહી ગઈ.    
                  આજે સવાર સવારની ફુલગુલાબી ઠંડીમાં જયારે હું કોઈક કામ માટે જવા બહાર નીકળ્યો ત્યારે એક અત્યંત દયનીય એવું દ્રશ્ય જોયું જે ઘણું બધું કહી ગયું, તે આ મૂંગા પશુઓની લાગણીઓ તેમની વેદનાને દર્શાવી રહ્યું હતું. તેઓ ઘણી જ સહેલાઇથી આપણને પોતાનો પરીવાર માની  લે છે, પરંતુ આપણે જ છીએ જે તેમને પોતાના બનાવવા માટે સમય લઈએ છીએ, અને તેમને પોતાના બનાવી પણ દઈએ પણ તે પાછળ પણ  આપણું થોડું ઘણું સ્વાર્થીપણું તો ઉભરી જ આવે છે. તો આ શિયાળાની સાવ ઠંડી સવાર માં ગલીના રોડ પર એક નાનકડા ગલુડીયાનું શબ પડ્યું હતું. આવતા જતા કોઈ રાહદારીએ તે નાનકડા મૃત શરીર પર શણનો કોથળો  ઓઢાડ્યો હતો, ખરેખર આ નાનકડું શરીર આ બીચારા મુંગા પશુઓની લાચારી દર્શાવી રહ્યું હતું, ત્યાર પછી થોડી વાર માં તે  શબ પાસે બીજું એક  કૂતરું આવ્યું, અને તેને સુંઘવા લાગ્યું, તેને દૂરથી જોતા તે તેની "માં" હોય તેવું લાગ્યું. તે માં, તે નાનકડા શબની ગોળ ગોળ ફરી રહી હતી, થોડી થોડી વારે તેને સૂંઘી રહી હતી, તેની આંખોમાં લાચારી હતી, સાવ એકલતાના ભાવો તેના મુખ પર હતા, આ બાબતો તે દ્રશ્યને વધારે જ  કરૂણ બનાવી રહી હતી. દૂરથી જોતા લાગતું હતું કે તેની મોતના બે કારણો હોઈ શકે એક તો આ કાતિલ ઠંડી, અથવા તો કોઈ ગાડીએ તેને ટક્કર મારી હોય. બસ આવા પ્રસંગો આપણી આંખ સામે આવે ને ત્યારે આપણને ખબર પડે કે તેમના પણ પરીવાર હોય છે, તેમને પણ તેટલું જ દુઃખ થાય છે.

                                    
                                     કદાચ આજે તેમને સમજવાનો જ દિવસ હશે, આ પછી આજે જ એક બીજો રોમાંચક અનુભવ થયો.
સવારે અમે અહીં પી.જી પરથી નીકળ્યા નીકળ્યા પછી, અમે ગાંધીનગર અમદાવાદ હાઈ વે પર કોઈ કામ માટે જઈ  રહ્યા હતા. ત્યાં અમારે કોઈક ને મળવા જવાનું હતું. સવારની એ પહોર ને હું ને મારો મિત્ર એમ અમે બન્ને  કોઈકની રાહ જોઈ રહ્યા હતા, રોડની બરાબર પડખે અમે ગાડી પાર્ક કરી અને પછી ત્યાં જ ઉભા રહ્યા અને તે વ્યક્તિની રાહ જોવા લાગ્યા, થોડી વાર થઇ ત્યાં અચાનક એક કૂતરું પાસે આવ્યું તે દેખાવમાં તો પાલતુ પણ તેને કોઈકે તરછોડ્યું હોય એમ લાગી રહ્યું હતું. તેના  શરીરનો કાળો રંગ અને તેનું ઉંચુ પણ સુકાયેલું શરીર. સાથો સાથ તેના ગાળામાં એક પટ્ટો પણ હતો પણ લાગતું હતું તે તેણે ઘણા દિવસોથી પહેર્યો હોય. અચાનક તે અમારી પાસે આવ્યું ને પાસે આવીને બેસી ગયું જાણે તે પહેલાથી જ અમને ઓળખતું ન હોય સવારે  દસ વાગ્યા પણ આ ઠંડી તો ઓછું થવાનું નામ જ નહોતી લેતી, તે નજીક આવીને ગાડી પાસે લપાઈને બેસી ગયું. સમય જેમ વીતતો ગયો તેમ તેમ અમને લાગ્યું તે અમારી વાતો કાન દઈને સાંભળતું હોય થોડી વાર બાદ અમે ત્યાંથી નીકળવા રવાના તો થયા, પણ તેને પણ અમારી સાથે જ  આવવું હતું , ધીમે ધીમે અમે ગાડી લઈને આગળ વધ્યા તે પણ અમારી પાછળ પાછળ આગળ વધવા લાગ્યું જાણે તે કહી રહ્યું હોય મને પણ લઇ જાઓ તમારી સાથે, અચાનક અમે અમારા વિહિકલની સ્પીડ વાંધારી  દીધી, શું ખબર તે શું ઇચ્છતું હશે અમારી પાસે ? ધીમે ધીમે કરતા અમે એક કિમી જેટલું આગળ નીકળી આવ્યા અમને લાગ્યું કે તે હવે નહીં આવે પાછળ પણ ત્યારે પણ તે સાથે ને સાથે જ ભાગી રહ્યું હતું. સામે હતો અમદાવાદ ગાંધીનગર હાઇવે અને તેના પર પુરઝડપે  દોડતી ગાડીઓ, અમે તો તેનાથી પીછો છોડાવવા જ માંગતા હતા પણ તે અમને છોડવા જાણે તૈયાર જ નહોતું, આમ સડસડાટ દોડતા એ વાહનોની વચ્ચે પણ એ અમારી સાથે ભાગી રહ્યું હતું,  હવે તેણે અમને વિચારતા કરી મુક્યા સાવ અજાણી જગ્યાએ, સાવ અજાણ્યા જ અમે, તો પણ અમારી સાથે તેને આટલો  બધો લગાવ કઈ રીતે ? હવે અમે ત્યાંથ યુ ટર્ન લીધો અને વિચાર્યું કદાચ તેને ભુખ લાગી હશે, કંઈક તેને ખવડાવી દઈએ તો તે જતું રહેશે તેના રસ્તે... ત્યાં માંડ આસપાસમાં એક ગલ્લો  મળ્યો, એક બિસ્કીટનું પેકેટ ખરીદીને તેને આપ્યું. ખરેખર મન તેને ખવડાવતી  વખતે કંઈક અલગ જ ફીલ કરી રહ્યું હતું, અમે આ પળોને ફોનમાં કેપ્ચર કરી લીધી. અસલમાં તો અમે તેનું ધ્યાન ભંગ કરવા માંગતા હતા કે તે  ખાઈ રહ્યું હોય ત્યારે અમે નજર બચાવી ત્યાંથી નીકળી શકીયે, પણ અમે તેમ ન કરી શક્યા. અમે ફરીથી ગાડી આગળ વધારી અને ફરીથી તે અમારી પાછળ. ફરીથી અમે અમારી સ્પીડ વધારી અને એણે પોતાની. તે ભાગતા ભાગતા  અમારી સામું જોઈ રહ્યું કદાચ તેને કંઈક કહેવું હતું. અમે ધીમે ધીમે આગળ  નીકળતા ગયા, ને ઘણા આગળ નીકળી ગયા, મેં પાછળ નજર કરી તો ત્યાં તે હજીય ભાગી રહ્યું હતું પણ હવે તે ઘણું જ દૂર હતું અને પછી અચાનક જ તે આંખોથી અદ્રશ્ય થઇ ગયું. તેને આમ છોડીને જવાનું દુઃખ તો અમને પણ ઘણું હતું, પણ તેને સાથે લઇ શકાય તેમ પણ નહોતું ને. તેને કઇંક કહેવું હતું તે કંઈક સમજાવી રહ્યું હતું અમને. આમ માત્ર અડધો કલાકની તેની સાથેની મુલાકાતે અમને ઘણી બધી સમજણ અને તેની યાદો આપી.


                                 
                                     ચાલો આપણે સૌ પણ શરૂઆત કરીએ તેમને પોતાના બનાવવાની, હા કદાચ તેમને લાવીને ઘરમાં તો બેસાડી ન શકીયે તો વાંધો નહીં પણ તેમને દુઃખ કે નુકસાન ન થાય તેનું તો ધ્યાન  રાખીએ, ચાલો તેમને પણ આપણા પરિવાર સાથે. પોતાની ગલીના કુતરાઓ હોય કે અન્ય પશુ પક્ષી  ચાલો તેમને પોતાના બનાવી લઈએ. કંઈક વધારે તો નહીં  પણ કોઈ ગાય કે કૂતરું આપણા બારણે આવે ને તો તેને  ભુખ્યુ તો ન જ જવા દઈએ, શિયાળો હોય કે ચોમાસુ કે પછી કાળઝાળ ગરમી આપણા થી થાય એટલી વ્યવસ્થા આપણે તેમના માટે કરવાની શરૂઆત તો કરીએ.  
    
                           

Comments

Popular posts from this blog

'ઈશ્વરની ઓળખાણ'

સ્ત્રી વગરનું ઘર... !

"પપ્પા જ મારા સુપરહિરો"