"કર્મ એ જ પરમેશ્વર"
તે દિવસે બપોરના બે વાગ્યા હશે, હું ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર મારી ગાડીની રાહ જોઇ રહ્યો હતો. અરે કાળઝાળ ઉનાળાનો આ તપતો સુરજ જાણે મોઢેથી આગ વરસાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું. શરીરના અંગો પણ દાજતા હતાં, આકાશમાં કોઈ પક્ષીઓ પણ દેખાતા નહોતાં, ટ્રેઈન પકડવાવાળા લોકોની ભીડ પણ કાઈ ઓછી નહોતી, પણ સૌ કોઈ ગરમીથી બચવા માટેના અલગ અલગ નુસખાઓ અપનાવી રહ્યા હતાં. મુખ્યત્વે કોઈ એક્સપ્રેસ કે સુપરફાસ્ટ ટ્રેઇનના જનરલ કોચ એન્જીન પછી જ હોય છે ને ત્યાં પરલેટફોર્મના આગળના ભાગે હોય છે. ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 ના આગળના ભાગે વડોદરા તરફ જવા જ્યાં ટ્રેઇન ઉભી રહે છે ત્યાં ઉપર છાંયો મળે તેવી વ્યવસ્થા ત્યાં નહોતી તેથી લોકો ગરમીથી બચવા માટે પ્લેટફોર્મના છાંયડાવાળા ભાગે જ ઉભા હતા.
પ્લેટફોર્મ પર આવ્યા પછી થોડી વાર થઈ હશે ત્યાં હું પણ આ ગરમીના પ્રકોપથી બચવા પેલા લોકોના ટોળા સાથે ત્યાં જ પ્લેટફોર્મના છાંયડા વાળા ભાગે પતરાં નીચે ઉભો રહ્યો. ને ત્યાં જ અચાનક મેં કંઈક એવું જોયું જેણે મને મુજવતાં ઘણાં બધા પ્રશ્નોના ઉત્તર તરતો તરત જ આપી દીધા. તે જોયા પછી મને તો મારા જીવન પ્રત્યે કોઈ જ ફરિયાદ ન રહી. તો વાત એમ હતી કે એક 65-70 વર્ષનાં વૃદ્ધને મેં જોયાં, તેમના દેખાવની વાત કરું તો તે ઉચાઈમાં ચાર કે પાંચ ફૂટના હશે, તેમનું શરીર પણ એટલું શસક્ત કે ભરાવદાર નહોતું, જીવનના 65-70 વર્ષો પછી તેમના શરીર પરની ચામડી પણ લોચો વળી ગઈ હોય એમ લાગી રહ્યું હતું, સાથોસાથ તેમણે ગરમીથી બચવા આપણા સૌની જેમ કોઇ ઉપાય કર્યો હોય એમ લાગતું નહોતું, પગમાં ચપ્પલ તો હતા પણ પગ દઝાડે તેવાં. તેમને લાલ રંગનો શર્ટ પહેર્યો હતો, તેમના ખભા પર બેલ્ટ બાંધ્યો હતો, હવે ધીમે ધીમે વાસ્તવિકતા છતી થઈ રહી હતી. તે વૃદ્ધ એ કુલી હતા, તેમનો લાલ શર્ટ આવી કાળઝાળ ગરમીને લીધે ને વળી ઉપરથી તેમના શરીર શ્રમ ને લીધે આખેઆખો પલળી ગયો હતો. આપણે જ્યારે તેમના જેટલી ઉંમરે લાકડીના ટેકે ચાલવાની વાતો કરીએ છીએ, ઘરે રિટાયર્ડ થઈને બેઠા બેઠા જમવાની વાતો કરીએ છીએ ત્યારે આ વૃદ્ધ ને જોઈને હું ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ ગયો.
આટલી ગરમીમાં પણ તેમના ચહેરા પર સહેજ પણ જીવન વિશેની કે આ કુદરત વિશેની કોઈ પણ ફરિયાદ નહોંતી. તેઓ ખૂબ જ ખુમારીથી ટ્રોલી (સ્ટેશન પર સમાન લાવવા લઈ જવા માટે હાથલારી હોય છે જેમાં એક સાથે ઘણો બધો સામાન આવી શકે) ખેંચીને તેઓ લાવી રહ્યા હતા. તે લારી પર દસ-પંદર થેલાઓ મૂક્યા હતાં. પહેલી વાર તેમને જોતા આપણા સૌ કોઈના ચહેરા પર દયાના ભાવો ઉપજી જ આવે પરંતુ જ્યારે ખબર પડે ને કે દુનિયામાં હજીયે એવા વ્યક્તિઓ જીવિત છે જે જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી કોઈ સામે હાથ ફેલાવવામાં માનતા નથી. આપણે જ્યારે કંઇક કરી શકવા સક્ષમ હોઈએ પરંતુ તે કરવા સમર્થ ન હોઈએ ત્યારે ઘણી બધી ફરીયાદો લઈને બેસી જઈએ છીએ, જીવનને ધિક્કારીએ છીએ,આસપાસના વાતાવરણને ધિક્કારીએ છીએ અને ખરેખર આ વૃદ્ધ જેવા લોકો જ આપણને પ્રેરણાસ્ત્રોત પૂરો પાડે છે, આપણને જીવન જીવવાનો રસ્તો બતાવે છે. તેમની સાથે મેં કોઈ વાતો તો નહોતી કરી પરંતુ તેઓ કંઈ જ બોલ્યા વગર ઘણું બધું સમજાવી ગયા, શીખવી ગયા.
ભલે આપણે ગમે તેટલા લાચાર હોઈએ ને તેનો દોષ બીજાઓને આપવામાં સમય બગાડવા કરતાં, પોતાનું કામ ખુબ જ મહેનતથી, નિષ્ઠાપૂર્વક કરી શકીયે ને ત્યારે જ આપણે સાચા સુખી છીએ તેમ કહી શકાય. આટલી મોટી ઉંમરે મુશ્કેલીઓ તો તેમને પણ ઘણી નડતી હશે, તેમને કમાવું જ પડે સંજોગો પણ તેવા હશે, કદાચ તેમના શરીરને કષ્ટ પણ એટલું જ થતું હશે કે જેની આપણે કલ્પના પણ ન કરી હોય પરંતુ તોય 'કર્મ જ સત્ય છે, કર્મ જ પરમેશ્વર છે' આ પંક્તિને તેમને ખરેખર ઉજાગર કરી બતાવી.
મારા તરફથી આવા દરેક લોકો ને સો સો સલામ છે. આપણે તેમના માટે બીજું કંઈ વધારે ન કરી શકીએ તો વાંધો નથી, પરંતુ તેઓ જે છે, તેઓ જે પણ કરી રહ્યા છે તેમાંથી આપણે પ્રેરણા તો મેળવી જ શકીયે ને. ખરેખર જીવનની વાસ્તવિકતા ભલે ને ગમે તેવી કપરી હોય પણ પોતાની લગન, ધગશ, કામ કરવાની ભુખ ને મહેનતથી આપણે જીવનને માણી શકીયે તે તો નક્કી જ છે.
Lajwab😍
ReplyDelete