મને મનગમતા સવાલો...?

'હેલ્લો......! કેમ છો ?'
અને સામેથી જવાબ મળ્યો,
'સારું ને',
પછી અચાનક દરવખતની જેમ એક સવાલ સંભળાયો, અને હા આ સવાલથી તો હું એકદમ વાકેફ છું,
' બેટા, પૈસા તો છે ને તારી પાસે ?'
' કૈક ઘટતું કે ખૂટતું હોય એવું તો નથી ને ?',
તમે સમજી જ ગયા હશો, કોનો ફોન હતો એ, ભલે મહિનામાં કોઈક વાર જ તેમની સાથે ફોન પર વાત થતી હોય, ભલે તે કદાચ પાંચ મિનિટ કરતા વધારે લાંબી ન ચાલે, પણ જયારે પણ 'પપ્પા' ને ફોન કરવામાં આવે ત્યારે તે આવા જ સવાલો પૂછે તે સ્વાભાવિક છે, ત્યારે જ સમજાય કેટલી ચિંતા છે તેમને આપણી.  એ પપ્પા જ છે જે હરહંમેશ આપણી સુખાકારીનું જ વિચારનારા, હું કૈક બની જાઉં એ માટે તેમને મેં દિવસ રાત કામ કરતા જોયા છે. એ પપ્પા જ છે જેમને મેં  સવારથી સાંજ સુધી બસ એક નાના ટિફિન સાથે પોતાનો આખો દિવસ કાઢતા જોયા છે, ભલે આપણી જેમ તેમને ડેઇલી સારું સારું ખાવાની આદત ન હોય, કદાચ તેમને પણ સારું ખાવાનો શોખ હશે પણ, એમને મેં પોતે ભૂખ્યા રહીને મારુ પેટ ભરાય ને એ માટે મહેનત કરતા જોયા છે. ભલે તેમને મારા સિલેબસ, મારી બૂક્સમાં સમજ ન પડતી હોય, પરંતુ મારુ એક વાક્ય;
'પપ્પા આ બૂક્સ લેવાની છે',
'પપ્પા કોલેજની ફીસ ભરવાની છે,'
આ વાક્ય સાંભળતાની સાથે જ મારા ખિસ્સામાં તેમને પૈસા મુકતા મેં જોયા છે, કદાચ કોઈક વાર એમની પાસે પણ પૈસા ખૂટી ગયા હોય, તો પણ કઈ પણ પૂછ્યા વગર તેઓ ઉછીના પાછીના કરી ને પણ અથવા તો તે દિવસે કામમાં એકાદ કલાક વધારે મહેનત કરીને પણ બીજા દિવસે તરત એ પૈસાની વ્યવસ્થા કરતા મેં તેમને જોયા છે.દરરોજ આઠ કલાકની ઊંઘ લેતો હું, મને સારી ઊંઘ આવે તે માટે પોતે માત્ર પાંચ-છ કલાકની જ ઊંઘ લેતા એમને જોયા છે.
કોઈક વાર વિચાર આવે કે, શું એમને પણ મારી જેમ નવા નવા સ્ટાઈલિશ કપડાં પહેરવાંનો શોખ નઈ હોય ? શું એમને પણ મૂવી જોવાનો શોખ નઈ હોય ? શું તેમને બધે ફરવાનો શોખ નઈ હોય ? શું તેમને સારું સારું જમવાનો શોખ નઈ હોય ? કદાચ હશે, તેમને પણ મન થતું હશે, પણ આ બધું જ હું કરી શકું તે માટે તેમના એજ શોખ ને સાઈડ પર મુકતા મેં જોયા છે.આપણે એક મહિનામાં અરે એક વીકમાં એક મૂવી થિયેટરમાં જોઈ નાખતા હોઈએ છીએ, પરંતુ એ માણસને એ થિયેટર જોયાને પણ ઘણા વર્ષો વીતી ગયા છે. પોતાનું આખું જીવન પોતાના સંતાનો માટે કુરબાન કરવું, આખો આખો દિવસ ઉભા રહીને માત્ર ચાર દીવાલોની વચ્ચે કામ કરવું, આ કઈ ખાવાના ખેલ થોડા છે. હું મસ્ત સ્માર્ટ ફોન વાપરી શકુંને તે માટે તેઓને નાનું એવું કીપેડ વાળું ડબલું વાપરતા મેં જોયા છે. 
ખરેખર એ કોઈ ઘણો જ બુદ્ધિમાનj હશે જેને મમ્મી પપ્પા ને ભગવાન નો દરજ્જો આપ્યો છે, ભલે તેમની પાસસે કોઈ મોટી ડિગ્રી નથી, પરંતુ કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે ઘર ચલાવવું તે તેઓના અનુભવની જ વાત છે સાહેબ, તમને તે મોટી મોટી કોલેજો ન શીખવાડી શકે. જીવન ઘડતરમાં મમ્મી અને પપ્પા ખુબ જ મહત્વના છે. મમ્મી એટલે માત્ર રસોઈની રાણી નહીં, મમ્મી એટલે ચમચા, ચૂલો, સાણસી કે થાળી સાથે યુદ્ધ કરતી કોઈ વીરાંગના જ નહીં, મમ્મી એટલે એક એવી વ્યક્તિ કે જે જીવનની દરેક પળે કાંઈક ને કાંઈક શીખવાડતી હોય, જીવનના કોઈ પણ એવા વણઉકેલ્યા પ્રશ્નો નઈ હોય કે જેનો જવાબ મને મમ્મી પાસેથી ના મળ્યો હોય. ભલે આપડે કોઈ આપણી પ્રેમિકા ના કન્હૈયા ન હોઈએ પરંતુ મમ્મી જેટલો પ્રેમ, મમ્મી જેટલું સ્પેશ્યિલ ફીલ આપણને કોઈ ના કરાવી શકે. મારી જ વાત કરું તો, ભલે મમ્મી કદાચ ચોવીસ કલાક કામ માં હોય પણ , પોતાનાથી દૂર રહેતા સંતાનને જમ્યો કે નહીં તે પૂછવાનું તે ક્યારેય ભૂલતી નથી. પપ્પાની જેમ મમ્મીના પણ દરવખતના એકસરખા જ સવાલો હોય છે,
'બેટા।..! જમી લીધું ?'
' આજે શું જમ્યા...?'
બરાબર જમી લેજે ભુખ્યો ન રહેતો'
પોતાની ભૂખ ની પરવાહ કર્યા વગર, પોતે ભુખા રહી ને પણ પોતાના સંતાનોને ખવડાવવાની ચિંતા એક માં સિવાય બીજું કોણ કરી શકે. આમ પોતાના શરીર નું એક અંગ છુટુ ન પડી ગયું હોય તેમ, તેઓ હરહંમેશ મારી ચિંતા કરવામાટે તત્ત્પર જ હોય છે. મમ્મી એટલે આધ્યાત્મ, વ્યવ્હારૂકુશળતા, અને સંસ્કારો નો ખજાનો. જીવનના માર્ગદર્શક એટલે મમ્મી પપ્પા, મને જીવન આપનાર મમ્મી પપ્પા।......તેથી જ આવા સવાલો મને ખુબ જ પ્રિય છે.                          

Comments

Post a Comment

Popular posts from this blog

'ઈશ્વરની ઓળખાણ'

સ્ત્રી વગરનું ઘર... !

"પપ્પા જ મારા સુપરહિરો"